BREAKING NEWS

logo

24 કલાક માટે ખાલી પોલીસ હટાવી દો મારા ઘરેથી, પછી ઝાડ પર પણ લોકો દેખાશેઃ હાર્દિક પટેલ

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી અનિશ્ચિત સમય માટે ઉપવાસનો રસ્તો અપનાવ્યો છે. પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફિની માગણીને પગલે હાર્દિક પટેલે 25મીએ તમામ પાટીદારોને ઉપવાસમાં જોડાવાનું આહવાહન કર્યું હતું. જોકે તેની મંજુરી ન મળતાં આખરે હાર્દિક પટેલે પોતાના ઘરે જ ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યું હતું.

ઉપવાસના ત્રણ દિવસ અંગે હાર્દિક પટેલે કહ્યું કે, ખેડૂતોના દેવા માફી અને અનામતની માગ સાથે વિજય સંકલ્પ અનિશ્ચિત સમયના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે, ગત ત્રણ દિવસથી વધુ પોલીસ તૈનાત છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રથી સમર્થન આપવા આવતા ખેડૂતોને પોલીસે બહારથી જ રોકી લીધા છે.ગુજરાત બહારથી આવતા લોકોને પણ પોલીસ હેરાન કરી રહી છે. ગુજરાતનું મોડલ આજે દેશના તમામ ખેડૂતો વચ્ચે આવ્યું છે. તાનાશાહી, ગુંડાગીરી અને સંવિધાનના ધજાગરા ઉડાવવાનું કામ ગુજરાતની ભાજપ સરકાર તથા પોલીસ કરી રહી છે. સંવિધાનથી મોટી ભાજપા છે?? મારો દેશ સંવિધાનથી ચાલે છે નહીં કે ભાજપથી, અમે લડતા રહીશું અને જીતીશું, વાત મારી નથી કરોડો લોકોની છે.

હાર્દિકે આંદોલન સ્થળેથી એફબી લાઈવ કરતા જણાવ્યું હતું કે, સરકારમાં તાકાત હોય તો મારા ઘર પાસેથી માત્ર 24 કલાક પોલીસ હટાવી દો, તો વૃક્ષોની ડાળીએ ડાળીએ માણસો જોવા મળશે. આ લડાઈ ન્યાય સુધી નહીં પહોંચે ત્યાં સુધી લડવાની છે. ત્રીજા દિવસે સોલા સિવિલની તબીબ ટીમે હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. જેમાં તેનુ બ્લડ પ્રેશર અને સુગર નોર્મલ આવ્યા છે, જ્યારે હાર્દિકની શ્વાસની સ્થિતિ પણ નોર્મલ છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકની દર 8 અથવા 12 કલાકે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ડૉક્ટરે તેને લિક્વિડ લેવાની પણ સલાહ આપી છે. આજે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પણ હાર્દિક પટેલની મુલાકાત લે એવી સંભાવના છે.