BREAKING NEWS

logo

'મુન્ના માઇકલ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી નિધિ અગ્રવાલે કહ્યું, હું દરેક પ્રકારની ફિલ્મો કરીશ

ફિલ્મ 'મુન્ના માઇકલ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી નિધિ અગ્રવાલની પહેલી ફિલ્મ બોલિવૂડના ઊભરતા સુપરસ્ટાર ટાઇગર શ્રોફ સાથે હતી. ઇન્ડસ્ટ્રીમાં એક બિનધાસ્ત અભિનેત્રીની છબી બનાવી રહેલી નિધિની પ્રોફેશનલ લાઇફ હજુ સુધી પાટા પર આવી શકી નથી. 'મુન્ના માઇકલ' બાદ અત્યાર સુધી તેની બીજી કોઇ ફિલ્મ આવી નથી.

એવા સમાચાર હતા કે તેણે તાજેતરમાં ફિલ્મ 'ટોઇલેટ-એક પ્રેમકથા'થી જાણીતા નિર્દેશક શ્રી નારાયણસિંહના નિર્દેશનમાં બનનારી એક ફિલ્મ સાઇન કરી છે, પરંતુ આ ફિલ્મ આ વર્ષે નહીં, આવતા વર્ષ સુધીમાં રિલીઝ થશે. હજુ સુધી તેનું શૂટિંગ પણ શરૂ થયું નથી.

કોઇ પણ કલાકારની ફિલ્મોની વચ્ચે વધુ પડતો સમય જાય તો દર્શકો તેને ભૂલવા લાગે છે. ક્યાંક નિધિ સાથે પણ આવી ઘટના ન ઘટે. નિધિને પૂરો કોન્ફિડન્સ છે કે તેની સાથે આવું કંઇ નહીં થાય. તે ફિલ્મોમાં આવી રહેલા અંતરાલ માટે અલગ જ તર્ક આપે છે.

તેનું કહેવું છે કે જાણી જોઇને તે કોમર્શિયલ ફિલ્મો પર જોર આપતી નથી. તે કહે છે કે જો કોઇ કલાકાર વધુ કોમર્શિયલ ફિલ્મો કરવા લાગે છે તો લોકો તેને ગંભીરતાથી લેતા નથી. તે કહે છે કે મારી છેલ્લી ફિલ્મ વધુ કોમર્શિયલ હતી, તેમાં ડાન્સ હતો અને મને લાગે છે કે જ્યારે તમે આ પ્રકારની ફિલ્મ કરતાં હો ત્યારે લોકો તમને ગંભીરતાથી લેતા નથી, જોકે તેનો અર્થ એવો પણ નથી કે નિધિને કોમર્શિયલ ફિલ્મોથી મોહભંગ થઇ ગયો છે.

બોલિવૂડમાં હવે આર્ટ ફિલ્મોનો જમાનો વીતી ચૂક્યો છે. આવામાં જો તે કોમર્શિયલ ફિલ્મોથી દૂર રહેશે તો તેની કરિયર ક્યાંયની નહીં રહે, જોકે તે કહે છે કે હું દરેક પ્રકારની ફિલ્મ કરીશ. ગંભીરથી લઇને કોમેડી ફિલ્મો મને ગમે છે. •