BREAKING NEWS

logo

વિદેશની ધરતી પર ટીમ ઇન્ડિયાનું કંગાળ પ્રદર્શન, બેઠકમાં કોહલીએ આપવો પડશે જવાબ

વિદેશ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન પર કમિટી ઑફ એડમિનીસ્ટ્રેટર્સ (સીઓએ) ગંભીર છે. સુપ્રીમ કોર્ટ તરફથી બોર્ડના કામકાજ પર નજર રાખવા માટે બનાવવામાં આવેલી પ્રશાસકોની સમિતીએ ટીમના તાજેતરના પ્રદર્શનને લઇને બેઠક બોલાવી છે.

આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ૪-૧થી ગુમાવી હતી. વિદેશમાં ભારતીય ક્રિકેટ ટીમના કંગાળ દેખાવની સમિક્ષા કરવા માટે કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA) દ્વારા એક ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦-૧૧ ઓક્ટોબરે યોજાનારી આ બેઠકમાં હાજર રહેવા માટે કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજન્ક્યિ રહાણે, હેડ કોચ રવિ શાસ્ત્રી, મુખ્ય પસંદગીકાર વિરાટ કોહલીને હાજર રહેવા માટે COA દ્વારા ફરમાન છે. જેમાં ભારતીય ટીમની ‘થિંક ટેંક’ને COA દ્વારા કંગાળ દેખાવ માટે સવાલો પૂછવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર COA દ્વારા ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડમાં ખરાબ દેખાવના કારણો પૂછાશે તેમજ હવે આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે શું તકેદારી રાખવામાં આવશે તે પણ જાણવામાં આવશે. વિદેશામાં ખાસ કરીને ભારતના બેટ્સમેનોનો કંગાળ દેખાવ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડમાં છેલ્લી ૧૬ ટેસ્ટ ઇનિંગ્સમાં ભારત માત્ર ચાર વખત ૩૦૦ના સ્કોર સુધી પહોંચી શક્યું છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ બાદ તુરંત જ કોચ રવિ શાસ્ત્રીને બીસીસીઆઇની વિનોદ રાયની આગેવાની હેઠળની કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)નું તેડું આવ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ બાદ વતન પરત ફરી એ પછી તુરંત જ સીઓએ દ્વારા કોચ શાસ્ત્રીને સવાલો પૂછવા કઠેડામાં ઉભા રાખવામાં આવ્યા હતા. શાસ્ત્રીએ સીઓએ સમક્ષ ટીમના પ્રદર્શનનો બચાવ કરતા એમ કહ્યું કે, ‘હું એમ નહીં કહું કે અમે ખૂબ જ ખરાબ દેખાવ કર્યો હતો. પરંતુ અમે પ્રયાસ કર્યો હતો. અમે જીતવા માટે જીવ રેડી દીધો હતો પરંતુ સફળતા હાથતાળી આપીને જતી રહી હતી. અમે હજુ પણ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-૧ છીએ અને ઇંગ્લેન્ડ પણ જાણે છે કે અમે તેમને કેવી લડત આપી હતી. અમે પાંચેય ટેસ્ટમાં ટોસ હાર્યાહતા અને જે નિર્ણાયક રહ્યું હતું. પરિબળો તરફેણમાં નહીં હોવા છતાં ભારતીય ટીમે જે પ્રકારની લડત આપી તેનો સંતોષ છે.

રાહુલ દ્રવિડને સલાહકારની જવાબદારી સોંપાઇ શકે છે
વિદેશમાં ભારતીય ટીમના કંગાળ દેખાવનું મુખ્ય કારણ બેટ્સમેનોની નિષ્ફળતા છે. જેના પગલે ભારતના ઓસ્ટ્રેલિયાપ્રવાસ વખતે રાહુલ દ્રવિડને ટીમના સલાહકારની જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ અગાઉ ભારત ‘એ’ ટીમ  ન્યૂઝીલેન્ડ પ્રવાસે જશે. જેના માટે ભારત ‘એ’ ટીમમાં મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, રહાણે, હનુમા વિહારી જેવા ટેસ્ટ સ્પેશિયાલિસ્ટનો સમાવેશ કરવામાં આવી શકે છે.