અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે રશિયા પાસેથી પાંચ અબજ ડોલરની એસ-400 હવાઈ સુરક્ષા પ્રણાલીની ખરીદીના સોદા પર ભારત ટૂંક સમયમાં દંડાત્મક કાટ્સા પ્રતિબંધો પર તેમના નિર્ણય સંદર્ભે જાણી જશે. કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ હેઠળ રશિયા સાથે હથિયાર સોદા પર અમેરિકાના પ્રતિબંધોથી ભારતને છૂટછાટ આપવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જ છે.
ભારત અને રશિયા વચ્ચે થયેલા એસ-400ના સોદા સંદર્ભે સવાલનો જવાબ આપતા ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યુ હતુ કે ભારતને ખબર પડી જશે. ભારતને ખબર પડવા જઈ રહી છે. તમે ટૂંક જ સમયમાં જોશો. ટમ્પે એમ પણ કહ્યુ છે કે ઈરાન પાસેથી ચાર નવેમ્બરની સમયમર્યાદા બાદ ખનીજતેલની આયાત ચાલુ રાખનારા દેશો સંદર્ભે પણ અમેરિકા જોશે. ભારત અને ચીન જેવા દેશોના ઈરાનમાંથી ખનીજતેલની આયાતને ચાલુ રાખવા મામલે પુછવામાં આવેલા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ જોશે.
મહત્વપૂર્ણ છે કે અમેરિકાએ રશિયાની ઉપર કાટ્સા કાયદાની જોગવાઈઓ હેઠળ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. કાટ્સાને અમેરિકાએ વિરોધીઓનો મુકાબલો કરવા માટે બનાવ્યા છે. આવા જ પ્રતિબંધ અમેરિકાએ ઈરાન અને ઉત્તર કોરિયા પર પણ લગાવ્યા છે. જો કોઈ દેશ આ દેશો સાથે સુરક્ષા અથવા ઈન્ટેલિજન્સ સાથે જોડાયેલી સમજૂતી કરે છે.
તો અમેરિકાના રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સમજૂતી કરનારા દેશો પર પણ લાગુ કરવામાં આવશે. જો કે ભારતે રશિયા સાથે સમજૂતી માટે અમેરિકા સમક્ષ આ પ્રતિબંધોમાં છૂટછાટની માગણી કરી હતી. ગત સપ્તાહે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ભારત અને રશિયા વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમને લઈને 37 હજાર કરોડ રૂપિયાની એક સમજૂતી થઈ હતી.