BREAKING NEWS

logo

ભાજપ સાંસદ દેવુસિંહની ગ્રાંટમાંથી વર્ક ઓર્ડર બાદ રોડ બનાવનાર સરપંચના લાખો રૂપિયા ફસાયા

ગાંધીનગર: ખેડા જીલ્લાની ડિજીટલ ગ્રામ પંચાયત તરીકે ઓળખાતી લવાલ ગ્રામ પંચાયતમાં એક અનોખો કિસ્સો બહાર આવ્યો છે જેમાં જિલ્લા આયોજન અધિકારી દ્વારા સંસદ સભ્યએ આપેલી ગ્રાન્ટનો વર્ક ઓર્ડર આપ્યા બાદ જ્યારે કામ થઇ ગયું ત્યાર પછી વર્ક ઓર્ડર રદ કર્યો. આ કામથી હવે ગ્રામ પંચાયતના સરપંચ સામે પ્રશ્ન છે કે કામના પૈસા કોણ આપશે?

ઘટના એવી હતી કે લગભગ અઢી મહિના પહેલા ખેડાના ભાજપના સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણે લવાલ ગ્રામ પંચાયતના સરપંચ મહિપતસિંહ ચૌહાણને તેમના ગામમાં વહેરાઈ માતાના મંદિરથી પ્રાથમિક શાળા તરફ ખૂટતી કડી, CC રોડના નિર્માણ માટે અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. જેમાં ખેડા જીલ્લા આયોજન મંડળ દ્વારા તારીખ ૧૮મી જુલાઈ ૨૦૧૮ ના રોજ આ કામને વહીવટી મંજુરી આપવામાં આવી હતી, જેમાં ગ્રાન્ટ ફાળવણીની તમામ કાર્યવાહી પૂર્ણ થઇ ગઈ હતી.

આ કામ માટે વસો તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ આ કામને શરુ કરવા માટેનો વર્ક ઓર્ડર ગત ૧૯મી સપ્ટેમ્બરે આપ્યો હતો. આ વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતને લેખિત રૂપે આપ્યા પછી ચાર દિવસમાં ગ્રામ પંચાયત લવાલ દ્વારા આ કામને પૂર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામ જ્યારે પૂરું થયા બાદ ૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ અચાનક તાલુકા વિકાસ અધિકારીએ આ કામની પરવાનગી એટલે કે વર્ક ઓર્ડર રદ કર્યો હોવાનો લેખિત પત્ર ગ્રામ પંચાયતને મોકલી આપ્યો. પરંતુ બીજી તરફ વર્ક ઓર્ડર રદ થાય તે પહેલા તો કામ થઇ ગયુ હતું.

વર્ડ ઓર્ડર રદ કરવા મુદ્દે ગ્રામ પંચાયતના સરપંચ મહિપતસિંહ ચૌહાણે તાલુકા વિકાસ અધિકારીને પૂછ્યું કે વર્ક ઓડર આપ્યા બાદ પૂર્ણ થયેલા કામને રદ કરી શકાય ખરું? જેના જવાબમાં તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ખેડા લોકસભા સાંસદે રદ કર્યું છે.

લવાલ ગ્રામ પંચાયતના સરપંચ મહિપતસિંહ ચૌહાણે જણાવ્યું કે, "મેં આ લેટર જીલ્લા આયોજન અધિકારી પાસેથી મેળવ્યો જેમાં કોઈ કારણનો ઉલ્લેખ થયા વગર જ કામને રદ કરવાનું લખ્યું છે. આ કામનો તમામ ખર્ચ મેં પોતે જ કર્યો છે, જો આ રીતે ગ્રાન્ટ રદ કરવામાં આવી તો મારી પોતાની બચતના પૈસા દ્વારા આ કામના બીલના ચુકવણા કરવા પડશે અને મારુ આર્થિક નુકસાન થાય. જીલ્લા આયોજન અધિકારી કે તાલુકા વિકાસ અધિકારીનો આ મનસ્વી નિર્ણય મને આથિક રીતે નુકસાનકારક છે અને નિયમો નેવે મુકીને કરવામાં આવેલું આ કામ છે."

નિયમ પ્રમાણે ગ્રામ પંચાયતના સરપંચને રૂ. પાંચ લાખ સુધીના કામ કરાવવાની સત્તા છે અને તે નિયમ પ્રમાણે જ સરપંચે કામ કર્યું છે. આ કામમાં જે સામાનની ખરીદી થઇ છે અને કુલ ખર્ચાના બીલ તાલુકામાંથી મંજુર થતાં હોય છે અને પછી બીલનું ચુકવણું થતું હોય છે. આ કેસમાં વર્ક ઓર્ડર આપ્યા બાદ જ કામ ચાલુ થયું હતું અને અચાનક કોઈ કારણ દર્શાવ્યા વગર જ જીલ્લા આયોજન અધિકારીએ વર્ક ઓર્ડર કેન્સલ કર્યો છે.

વર્ક ઓર્ડર કેન્સલ કરવાના મુદ્દે વસો તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી મેઘા ભગતે જણાવ્યું હતું કે વર્ક ઓર્ડર કેન્સલ કરવાનો નિર્યણ જીલ્લા આયોજન અધિકારીની કચેરીનો હતો જે બાબતે આ વર્ક ઓર્ડરમાં થયેલા કામનો રિપોર્ટ જીલ્લા આયોજન અધિકારીને મોકલી આપવામાં આવ્યો છે જે તેનો નિર્ણય લેશે.

વર્ડ ઓર્ડર અપાયા બાદ રોડનું કામ સ્વખર્ચે કરી આપનાર અને ત્યાર બાદ વર્ક ઓર્ડર રદ કરાયા મામલે લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણે ઉમેર્યું હતું કે, આગામી સોમવાર સુધી આ મુદ્દે અધિકારીઓના જવાબની રાહ જોઈશ અને ત્યાર બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશ.